૩. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો
પ્રશ્ન ૧. શિલ્પકલા એટલે શું?
ઉત્તર: કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી-હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુ પર કંડારીને જે આકાર તૈયાર કરે તેને ‘શિલ્પ’ કહેવામાં આવે છે. આ રીતે આકાર બનાવવાની કલા એટલે શિલ્પકલા.
પ્રશ્ન ૨. સ્થાપત્ય એટલે શું?
ઉત્તર: મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ અને સ્તંભો જેવા બાંધકામને ‘સ્થાપત્ય’ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં સ્થાપત્ય માટે ‘વાસ્તુ’ શબ્દ પ્રચલિત છે.
પ્રશ્ન ૩. મોહેં-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો.
ઉત્તર: મોહેં-જો-દડો નો અર્થ “મરેલાનો ટેકરો” એવો થાય છે. અહીંના રસ્તાઓ મુખ્યત્વે ૯.૭૫ મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મુખ્ય માર્ગને કાટખૂણે છેદતા હતા અને તે એકથી વધુ વાહનો પસાર થઈ શકે તેટલા પહોળા હતા.
પ્રશ્ન ૪. સ્તૂપ એટલે શું?
ઉત્તર: ‘સ્તૂપ’ એટલે ભગવાન બુદ્ધના શરીરના અવશેષો (વાળ, દાંત, અસ્થિ કે રાખ) ને એક પાત્રમાં મૂકી, તેના ઉપર બાંધવામાં આવતી અર્ધગોળાકાર ઈમારત.
નોંધ: આ પ્રશ્નોના ઉત્તરો તમારી પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.