June 6, 2026

Study Quell

Your Creativity, One Platform for All Solution!..

કંપની ઓડિટરની નિમણૂંક, પુન:નિમણૂંક અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો.

કંપની ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક

જવાબ: ૧૯૫૬ ના કંપની ધારાની કલમ ૨૨૪ મુજબ કંપનીના ઓડિટરની નિમણૂક અંગે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે:

૧) પ્રથમ નિમણૂક:

કંપનીની નોંધણી થયા પછી ૧ માસમાં ડિરેક્ટરો ના મંડળ દ્વારા ઠરાવ પસાર કરી પ્રથમ ઓડિટરની નિમણૂક કરવાની હોય છે. આ ઓડિટર પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પૂરી થતાં સુધી પોતાના હોદ્દા પર ચાલુ રહી શકે છે.

૨) દર વર્ષે નિમણૂક:

દરેક કંપનીએ દર વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કરવી પડે છે. આ રીતે નિમાયેલા ઓડિટર વાર્ષિક સામાન્ય સભા પૂરી થયા ત્યારથી બીજી વાર્ષિક સભા પૂરી થાય ત્યાં સુધી હોદ્દા પર ચાલુ રહે છે.

૩) ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક:

કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ચાલુ ઓડિટરની ફરીથી નિમણૂક થતી હોય છે, પરંતુ નીચેના સંજોગોમાં તેની પુનઃ નિમણૂક થતી નથી:

  • i) તે ફરીથી નિમણૂક માટે લાયકાત ધરાવતો ન હોય.
  • ii) ઓડિટરે કંપનીને લેખિત નોટિસ આપીને પોતાની પુનઃ નિમણૂક માટે અનિચ્છા દર્શાવી હોય.
  • iii) સભામાં તેને બદલે બીજી વ્યક્તિની નિમણૂક કરવા અથવા તેની નિમણૂક કરવી નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરતો ઠરાવ પસાર થયો હોય.
  • iv) નિવૃત્ત થયેલા ઓડિટરને બદલે બીજા ઓડિટરની નિમણૂક કરવાના ઠરાવની નોટિસ કંપનીને મળી હોય પરંતુ તે બીજી વ્યક્તિનું મૃત્યુ, અક્ષમતા કે ગેરલાયકાતને કારણે ઠરાવ અંગેનું કામકાજ આગળ વધી શક્યું ન હોય.
  • v) આ કલમમાં જણાવેલ વધુમાં વધુ અમુક કંપનીઓનો જ ઓડિટર નિમવાની જોગવાઈને કારણે તેની પુનઃ નિમણૂક થઈ શકે તેમ ન હોય.
૪) મધ્યસ્થ સરકાર દ્વારા નિમણૂક:

જ્યારે કંપની ઓડિટરની નિમણૂક કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે ખાલી જગ્યા મધ્યસ્થ સરકાર પૂરે છે. કંપનીએ આ બાબતની જાણ ૧ અઠવાડિયામાં મધ્યસ્થ સરકારને કરવી પડે છે. જો કંપની જાણ કરવામાં નિષ્ફળ જાય તો જવાબદાર અધિકારીને ₹ ૫,૦૦૦ સુધીના દંડની સજા થઈ શકે છે.

૫) આકસ્મિક ખાલી પડેલી જગ્યા પર નિમણૂક:

આકસ્મિક ખાલી પડેલ જગ્યા પર ડિરેક્ટરો મંડળ બીજા ઓડિટરની નિમણૂક કરી શકે છે. જ્યાં સુધી નિમણૂક ન થાય ત્યાં સુધી ચાલુ ઓડિટર કામ કરે છે. પરંતુ જો ઓડિટરના રાજીનામાથી જગ્યા ખાલી પડે તો સામાન્ય સભામાં તે જગ્યા પૂરી શકાય છે.

૬) સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક:

સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) કરે છે.

૭) ખાસ ઠરાવ દ્વારા નિમણૂક:

કલમ ૨૨૪-(ખ) માં જણાવ્યા મુજબ જે કંપનીમાં ૨૫% કે તેથી વધુ શેરમૂડી નીચેની સંસ્થાઓ ધરાવતી હોય તો ઓડિટરની નિમણૂક ખાસ ઠરાવ દ્વારા કરવી પડે છે:

  • i) જાહેર નાણાકીય સંસ્થા.
  • ii) સરકારી કંપની.
  • iii) મધ્યસ્થ સરકાર કે રાજ્ય સરકાર.
  • iv) રાષ્ટ્રીયકૃત બેંક અથવા સામાન્ય વીમાનો ધંધો કરતી વીમા કંપની.