કાવ્યનું નામ: વૈષ્ણવજન
કવિનું નામ: નરસિંહ મહેતા
કાવ્ય પ્રકાર: ભજન (પદ)
પ્રસ્તાવના
નરસિંહ મહેતાએ આ પદ દ્વારા ‘વૈષ્ણવજન’ એટલે કે સાચા ભક્તના ઉમદા લક્ષણોનું વર્ણન કર્યું છે. માત્ર માળા કરવી કે પૂજા કરવી એ ભક્તિ નથી, પરંતુ માનવતા અને સંવેદના એ જ સાચો ભક્તિમાર્ગ છે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.”
‘વૈષ્ણવજન’નો સામાન્ય અર્થ વિષ્ણુ ભગવાનના ભક્ત તરીકે થાય છે, પરંતુ નરસિંહ મહેતા એ આ શબ્દને વધુ ઊંડો અને જીવનમૂલ્યોથી ભરેલો અર્થ આપ્યો છે. તેમની દષ્ટિએ સાચો વૈષ્ણવજન એ છે, જે બીજાના દુઃખને પોતાનું દુઃખ માનીને સહાનુભૂતિપૂર્વક તેની મદદ કરે છે અને ઉપકાર કરીને પણ ક્યારેય ગર્વ અનુભવતો નથી.
સાચો વૈષ્ણવ હંમેશા વિનમ્ર સ્વભાવનો હોય છે. તે દરેક વ્યક્તિનો સન્માન કરે છે અને કોઈની નિંદા કરતો નથી. તેના મન, વાણી અને વર્તનમાં એકરૂપતા જોવા મળે છે. આવા સદાચારી મનુષ્યના જીવનને કવિ ધન્ય ગણાવે છે.
વૈષ્ણવજન દરેક માનવીને સમાન દષ્ટિથી જુએ છે. તે કોઈને ઊંચું કે નીચું માનતો નથી. ઈચ્છાઓ અને લોભથી દૂર રહીને સત્ય અને સદાચારનું પાલન કરે છે. પરસ્ત્રીને માતા સમાન માનવી એના ઉન્નત ચરિત્રનું લક્ષણ છે.
આવો મનુષ્ય સત્ય બોલે છે અને સત્યના માર્ગે ચાલે છે. તે મહેનતથી જીવન નિર્વાહ કરે છે અને ક્યારેય બીજાના ધનની લાલચ રાખતો નથી. પારકું ધન તેને અસ્પર્શ્ય લાગે છે.
સાચા વૈષ્ણવજન પર મોહમાયા અસર કરતી નથી. તેનું મન ભક્તિ અને વૈરાગ્યમાં લીન રહે છે. તે નિર્લોભ, નિષ્કપટ અને શુદ્ધ હૃદયવાળો હોય છે. કામ, ક્રોધ જેવા દુર્ગુણો પર વિજય મેળવીને તે આદર્શ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે.
ઉપસંહાર
આમ, નરસિંહ મહેતાએ વૈષ્ણવજનને પૃથ્વી પરનું ‘સકળ તીર્થ’ ગણાવ્યું છે. જેના આચરણમાં પરોપકાર અને ઈશ્વરભક્તિનો સમન્વય છે, તે જ વ્યક્તિનું જીવન ધન્ય છે અને તે પોતે એક જીવતું-જાગતું તીર્થ છે.