હાય રે! કોરોના મહામારી
કુદરતે પાઠ ભણાવ્યો કે માણસ તું કોણ હતો?”
પ્રસ્તાવના: અદ્રશ્ય શત્રુનું આક્રમણ
માનવ સભ્યતાના ઇતિહાસમાં અનેક યુદ્ધો ખેલાયા છે, પરંતુ ૨૧મી સદીમાં એક એવું યુદ્ધ આવ્યું જેમાં શત્રુ દેખાતો નહોતો. ‘કોરોના’ (COVID-19) નામના એક અદ્રશ્ય વિષાણુએ સમગ્ર માનવજાતને જે રીતે ઘૂંટણિયે લાવી દીધી, તે અકલ્પનીય હતું. ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો આ વાયરસ જોતજોતામાં વિશ્વભરમાં ફેલાઈ ગયો. આ મહામારીએ સાબિત કરી દીધું કે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, પણ પ્રકૃતિની તાકાત સામે મનુષ્ય આજે પણ લાચાર છે.
વૈશ્વિક હાહાકાર અને ભારતની સ્થિતિ
કોરોનાએ વિશ્વના સમૃદ્ધ દેશો જેવા કે અમેરિકા, ઇટાલી અને સ્પેનની આરોગ્ય સેવાઓની પોલ ખોલી નાખી. ભારતમાં જ્યારે આ વાયરસ આવ્યો ત્યારે શરૂઆતમાં ‘જનતા કરફ્યુ’ અને ત્યારબાદ લાંબુ લોકડાઉન લાદવામાં આવ્યું. રસ્તાઓ સૂમસામ બની ગયા, શાળાઓ અને ઓફિસો બંધ થઈ ગઈ અને લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા. હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા અને ઓક્સિજન માટેની મથામણે આખા દેશમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. ગંગાના કિનારે લાગેલી લાંબી કતારો અને સ્મશાનમાં ચોવીસ કલાક સળગતી ચિતાઓ એ દ્રશ્યો આજે પણ હૃદય કંપાવી દે તેવા છે.
સફેદ કોટ અને ખાખી વર્દીમાં મેં એમને પૃથ્વી પર જોયા છે.”
કોરોના વોરિયર્સ: માનવતાના સાચા મસીહા
જ્યારે લોકો પોતાના સ્વજનોને અડતા ડરતા હતા, ત્યારે આપણા ‘કોરોના વોરિયર્સ’ ખરા અર્થમાં ભગવાનનું રૂપ બનીને આવ્યા. ડોક્ટરો અને નર્સોએ પીપીઈ કિટ (PPE Kit) પહેરીને ગરમીમાં પરસેવે રેબઝેબ થઈને દર્દીઓની સેવા કરી. ખાખી વર્દીમાં સજ્જ પોલીસ જવાનો એ પોતાના જીવના જોખમે રસ્તાઓ પર પહેરો ભર્યો. સફાઈ કામદારોએ રોગચાળો ન ફેલાય તે માટે દિવસ-રાત મહેનત કરી. અનેક લોકોએ તો આ સેવાના યજ્ઞમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો, જેનું બલિદાન સુવર્ણ અક્ષરે લખાશે.
પરિવર્તન અને બોધપાઠ
કોરોનાએ આપણી જીવનશૈલી ધરખમ રીતે બદલી નાખી. ‘માસ્ક’ અને ‘સેનિટાઈઝર’ આપણા જીવનનું અનિવાર્ય અંગ બની ગયા. ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘ઓનલાઈન શિક્ષણ’ જેવી નવી પદ્ધતિઓ અમલમાં આવી. આ મહામારીએ આપણને સમજાવ્યું કે બહારના જંક ફૂડ કરતા ઘરનો સાદો ખોરાક અને ઉકાળા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આપણે પરિવાર સાથે સમય વિતાવવાનું શીખ્યા અને સૌથી અગત્યનું એ કે આપણે કુદરતની કિંમત કરતા શીખ્યા.
સરકારની કામગીરી અને રસીકરણ
ભારત સરકારે આ લડાઈમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી. ‘પીએમ કેર ફંડ’ દ્વારા રાહત કાર્યો, ગરીબોને મફત અનાજ વિતરણ અને સ્વદેશી રસીના ઉત્પાદને ભારતની તાકાત વિશ્વને બતાવી. ‘કોવિશિલ્ડ’ અને ‘કોવેક્સિન’ જેવી રસીઓ દ્વારા વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવીને કરોડો ભારતીયોને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું.
ઉપસંહાર: નવી આશાનો ઉદય
નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે કોરોના એક ભયાનક સ્વપ્ન જેવો હતો જેણે ઘણું છીનવી લીધું, પણ ઘણું શીખવી પણ દીધું. આ આફતમાંથી આપણે શીખ્યા છીએ કે માનવતા એ જ સર્વોપરી ધર્મ છે. હવે આપણે સાવચેત રહેવાનું છે, કારણ કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. જો આપણે સ્વચ્છતા જાળવીશું અને પર્યાવરણનું જતન કરીશું, તો જ આપણે સુરક્ષિત રહીશું.
ફરી ખીલશે હસતું-રમતું અમારું આખું ભારત.”